શ્રીમતી દક્ષાબેન શાસ્ત્રી

આચાર્યા

                                                                                                      બાળક માટે જ ....

માનવીનું સાચું ઘડતર બાળપણમાં થાય છે. ઘર અને એની આસપાસના વાતાવરણમાંથી સારી નરસી ટેવો બાળકો ગ્રહણ કરે છે. અને એ ટેવ કે પ્રવૃત્તિ ચિરંજીવ રહે છે. આ સમાજ સાથે આપણે આપણા બાળકનો સર્વાંગી વિકાસ ઈચ્છીએ છીએ.

ઘરનું વાતાવરણ સ્વસ્થ સુમેળવાળુ અને આનંદદાયક હોવું જરૂરી છે. બાળક વડીલોનું અનુકરણ કરીને જ શીખે છે બાળક સ્વાવલંબી થવા ઈચ્છે છે તો કેટલાક કાર્યો તેની ક્ષમતા પ્રમાણે કરવાની તક આપીએ. સર્વ  પરિવારના સભ્યોની એક સૂત્રતા હોવી જોઈએ કે જેથી બાળક હઠીલું ન બને.

પરિવારમાં સરખી ઉંમરના બાળકોની સરખામણી નહીં કરવી. સમય કાઢી બાળકોની, શાળાના મિત્રોની, પોતે કરેલ કાર્યોની ધીરજથી નાની-મોટી વાતો સાંભળીએ. બાળકો આ ઘર મારું છે, આ ઘરના પરિવારનો હું સભ્ય છું તેવો ભાવ તેનામાં પ્રગટ થાય તેવું વલણ અપનાવીએ.

બાળકો સામે કદી જૂઠ્ઠુંનાં બોલીએ કે છેતરીએ નહિ કે જેથી આપણામાંથી તેમનો વિશ્વાસ ડગી જાય. બાળકોની ક્રિયાત્મક અને સર્જનાત્મક પ્રવૃત્તિઓથી આનંદીએ અને તે કાર્ય માટે તેને પ્રોત્સાહિત કરીએ.

હંમેશા યાદ રાખો કે બાળક કંઈ ખાલી વાસણ નથી  કે જેમાં તમે વસ્તુની જેમ ગુણ- અવગુણો ભર્યા કરો. એ તો એક જ્યોત છે. તેને પ્રગટાવવાની છે. એક ફૂલ છે જેની સુગંધદુનિયામાં મહેંકાવવાની છે. બાળક જેવી મૂલ્યવાન સંપત્તિ બધાએ જ સાચવવાની છે. આજનો બાળક કાલનો યુવાન છે. દેશની ફરજ છે. સ્વસ્થ શિશુના સ્વાસ્થ્યમાં જ દેશના સુખદ સ્વાસ્થ્યનો આધાર છે.

શાળામાં શિક્ષકો દ્વારા બાળકની વયકક્ષાને અનુરૂપ પ્રવૃત્તિઓ અને શૈક્ષણિક સાધનો દ્વારા બાળકોને કેળવવામાં આવે છે. બાળવાર્તા અને બાળગીતો દ્વારા સંસ્કારોનું સિંચન થાય છે. તો રમતો દ્વારા સમૂહભાવના, સહનશક્તિ, શિસ્ત જેવા ગુણ વિકસાવવાનો પ્રયત્ન કરવામાં આવે છે. બાળમાનસને સમજીને સંપૂર્ણ બાલ માનોવૈજ્ઞાનિક પદ્ધતિઓ દ્વારા એના સર્વાંગી વિકાસનો પ્રયત્ન કરવામાં આવે છે. અમારા આ પ્રયાસોમાં માતા – પિતાનો સહકાર મળે જ છે. એટલે સોનામાં સુગંધ ભળે છે. ઉપરોક્ત નિર્દિષ્ટ બાબતોને જો  માતા – પિતા અનુસરે તો બાળકનો સર્વાંગી વિકાસ મીનમેખ બને અને પાયામાં મળેલી કેળવણી બાળક માટે જીવનભરનું ભાથું બની રહે.

અંતમાં આવી ઘણીબધી વિગતોનું  ચિંતન મનન કરવાથી આપણે બાળકોના વિકાસમાં ક્યાં અને કેમ મદદરૂપ બનવું તેની આત્મખોજ કરવી અને સરળતાપૂર્વક બાળકોને અનુકૂળ થવું એ  આપણી ફરજ બની રહે છે.

 

શ્રીમતી દક્ષાબેન શાસ્ત્રી

     આચાર્યા